ઇતિહાસ

ઇતિહાસ

 

૨૫૦૦ વર્ષથી અધિક પ્રાચિન ૩૩” ઈંચના ટીંટોઈ તીર્થ મંડન શ્રી મુહરી પાર્શ્વનાથ ભગવાનનો સમાવેશ શ્રી ૧૦૮ પાર્શ્વનાથમાં થાય છે.
શ્રી મુહરી પાર્શ્વનાથ ભગવાન પોતાના ઔલોકિક ઠાઠપૂર્વક અરવલ્લી (સાબરકાંઠા) જિલ્લાના ટીંટોઈ ગામમાં બિરાજમાન છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની યાદ અપાવે તેવી ૩૩” ઈંચના ભવ્ય અને પ્રાભાવિક પ્રતિમાજી છે. આરસની ચોવિસી અને પરિકર મધ્યે સાત મોહફણાથી અલંકૃત મૂળનાયક શ્રી મુહરી પાર્શ્વનાથ ભગવાન વિશાળ ત્રિશિખરી અને ધીમજલી જિનાલયમાં બિરાજે છે. વિશાલ વંદન, લાંબી નમણી ભુજા અને અદ્દભૂત દેહના દેદાર યુક્ત પ્રત્યક્ષ જીવંતની પ્રતીતિ કરાવતા ટીંટોઈ મંડન શ્રી મુહરી પ્રાર્થનાથ પ્રભુજીના વંદન – પૂજન આપને અવશ્ય રોમાંચિત કરશે.

ટીંટોઈ તીર્થ મંડન શ્રી મુહરી પાર્શ્વનાથ ભગવાનનો સુવર્ણ ઈતિહાસ

ભારતભરમાં જૈનો જયારે સવારે પ્રતિક્રમણ કરે છે ત્યારે શરૂઆતમાં જગચિંતામણિ સ્તોત્ર દ્વારા શાશ્વત અશાશ્વત જિનની સ્તુતી કરે છે, તેમાં “મુહરિ પાસ દુહ દુરિઅ ખંડન” શબ્દ દ્વારા શ્રી મુહરી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરી છે. ગુરૂ શ્રી ગૌતમ સ્વામીજી એકવાર અષ્ટાપદ ગિરિ પર પધાર્યા ત્યારે તેમણે “જગચિંતામણિ સ્તોત્ર” ની રચના કરી જે આજથી લગભગ ૨૬00 વર્ષ પૂર્વે રચાયેલ છે.

વિ. સ. ૧૮૨૮ માં ટીંટોઈ ગામના એક શ્રાવક કે અન્ય મતે યતિને અધિષ્ઠાયકદેવે સ્વપ્નમાં ધ્વસ્ત મંદિરમાં ભૂમિમાં પોતાના સ્થાનનો સંકેત આપ્યો વિ.સ. ૧૮૨૮માં પ્રભુજી ટીંટોઈ ગામમાં પધાર્યા અને એક મકાનમાં પરોણા બિરાજમાન કર્યા. શ્રી મુહરી પાર્શ્વનાથ ભગવાન વર્તમાનમાં શામળાજી પાસે તે સમયના મુહરી ગામ જે દેવની મોરીના નામે પ્રસિધ્ધ છે. તે સ્થળેથી મુહરી પ્રાર્થનાથ પ્રભુજીની પ્રતિમા સ્વપ્ન સંકેત વડે પ્રાપ્ત થઈ, મુહરી ગામ આજે દેવની મોરીના નામથી પ્રસિદ્ધ હતુ તે વર્તમાનમાં ગામ શામળાજી પાસે મેશ્વો નદી પર આશરે ૬૦ વર્ષ પૂર્વે બંધનું નિર્માણ થયુ ત્યારે વિસ્થાપિત થયુ) તે આજે મેશ્વો ડેમમાં ડુબમાં ગયુ છે. શામળાજીથી ૧પ કિ.મી. અંતરે મેશ્વો ડેમના કિનારે પહાડીમાં જિન મંદિરના અવશેષો આજે પણ વિદ્યમાન છે તે આ હકીકતની ગવાહી પૂરે છે. પ્રભુજીની પ્રતિમાજી મુહરી વંશના રાજાઓએ મુહરી ગામ બનાવીને તે સમયે મુહરી ગામમાં પધરાવેલ હોવાથી ભગવાનને મુહરી પાર્શ્વનાથ તરીકે ઓળખવામાં આવે છે. જેમની ગણના આજે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ અંતર્ગત થાય છે.

શ્રી મુહરી પાર્શ્વનાથ પ્રભુજીની ટીંટોઈમાં પ્રતિષ્ઠા:
પ્રભુજીને પરોણા બિરાજમાન કરીને ટીંટોઈ જૈન સંઘે મંદિર નિર્માણ શરૂ કર્યું. ત્રણ શિખર અને બે માળનું વિશાળ પરિસર સહિત ઉત્તુંગ જિન મંદિર નિર્માણ થયુ. વિ. સ. ૧૯૧૨ માં વૈશાખ સુદ – ૫ ના મહામહોત્સવ પૂર્વક પ્રભુજીને ગાદીનશીન કરીને પ્રતિષ્ઠા સંપન્ન થઈ, મુહરી પાર્શ્વનાથ પ્રભુજીના બંને પડખે શ્રી કલ્યાણી પાર્શ્વનાથ અને શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા થઈ (આ બંને પ્રતિમાજીની પ્રાણપ્રતિષ્ઠા વિ.સ. ૧૯૦૧માં થયાનો પ્રતિમાં પર લેખ છે.)
 
તે પછી જિન મંદિરના વિશાળ પરિસરમાં ભગવાનની જમણી તરફ શ્રી મહાવીર સ્વામિ ભગવાનનું મંદિર (વિ.સ. ૨૦૧૯ મહા વદ ૨) અને ડાબી તરફ શ્રી વાસુપૂજ્ય ભગવાનનું મંદિર (વિ.સ. ૨૦૨૬ માગસર સુદ ૬) નિર્માણ થયું. મંદિરના મુખ્ય દ્વાર ઉપર શ્રી ચૌમુખજી પાર્શ્વનાથ ભગવાનનું ઉત્તુંગ શિખર પ્રભુજીની કીર્તીને દિગંતમાં ફેલાવતુ પ્રભુજીના મહિમાને ત્રણે લોકમાં વિસ્તાર, અને ભક્તજનોને તારવા માટે આહવાન કરતું ધ્વજાને લહેરાવી રહ્યું છે.
શ્રી ટીંટોઈ સંઘે શ્રાવક – શ્રાવિકા ઉપાશ્રય, યાત્રિક ભવન, ભોજનશાળાનું નિર્માણ કર્યું છે. યાત્રાળુઓનો પ્રવાહ શ્રી મુહરી પાર્શ્વનાથ ભગવાનના દર્શન – વંદન – પૂજન કરી પાવન બને છે.
 
 પ્રભુજીની પ્રતિમા ૨૫૦૦ વર્ષથી પણ વધુ પ્રાચીનઃ
શ્રી મુહરી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ૨૫૦૦ વર્ષ ઉપરાંત જુની છે. શામળાજી પાસેના મેશ્વો નદી ઉપર બંધના બાંધકામ માટે ખોદકામ આશરે ૬૦ વર્ષ પૂર્વે કરવામાં આવ્યું ત્યારે મુહરી ગામ પાસેથી અઢળક અવશેષો મળી આવ્યા છે. તે પ્રાચીન અવશેષો અને અત્યંત મહત્વનો બુદ્ધનો સ્તૂપ વગેરે ની વિગત  “Excavation at Dev Ni Mori – by S. N. Chaudhari” પુસ્તક થી જાણી  શકાય છે. આ ઉખનન દરમિયાન તે સ્તુપમાંથી એક દાબડો મળી આવ્યો જેમાં શ્રી બુધ્ધના અસ્થિ અને વાળ આદિ અવશેષો મળ્યા જે અવશેષો આજે M. S. University, Baroda, Archeology Dept. માં સુરક્ષિત છે. એના પરથી અનુમાન થાય કે આ ‘મુહરી’ નગરી ભગવાન મહાવીર સ્વામીના સમયમાં હતી. ભગવાન મહાવીર અને શ્રી બુધ્ધ સમકાલીન છે.